Quantcast
Channel: chitralekha
Viewing all articles
Browse latest Browse all 35442

નોટ આઉટ @ 91 : શારદાબહેન આત્મારામ ઠક્કર

$
0
0

જેમને જીવનમાં પોતાની પાંચમી પેઢીને (દોહિત્રીનો પૌત્ર) આવકારવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે તેવાં 91 વર્ષનાં શારદાબહેન ઠક્કરની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ મોરજ (ચરોતર) ગામમાં. બે ભાઈ, ત્રણ બહેનનું કુટુંબ. પિતાને કરિયાણાનો ધંધો. પ્રાથમિક શિક્ષણ ગામડામાં લીધું. એક વર્ષની ઉંમરે શારદાબહેને માતાને ખોયાં, પણ નવી મા ઘણી સારી. 14 વર્ષની ઉંમરે તેમના લગ્ન આત્મારામભાઈ (બીજવર) સાથે થયા. તેમને બે દીકરા અને ત્રણ દીકરી. નાના દીકરા (ડૉ. મહેશભાઈ-ભાભી) સાથે સુખેથી રહે છે. તેમને નવ પૌત્ર-પૌત્રી, પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રી અને એક પાંચમી પેઢીનો દીકરો અમેરિકામાં! પતિ આત્મારામભાઈ સ્કૂલમાં શિક્ષક હતા. ધોળકા અને મુંબઈમાં લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ તરીકે સેવા આપી. લુહાણા-જ્ઞાતિની પ્રવૃત્તિઓમાં અને વિકાસના કામમાં સક્રિય રહેતા. સત્યાગ્રહની લડતના લડવૈયા હતા. ગાંધી-વિચારધારા ધરાવતા, ખાદીધારી હતા, રેંટિયો ચલાવતા. ઘણીવાર ભૂગર્ભમાં જવાનો વારો આવતો, ત્યારે શારદાબેન હિંમતથી ઘર અને બાળકોનું ધ્યાન રાખતાં. આત્મારામભાઈનું અવસાન 1996માં થયું. પતિની પ્રવૃત્તિઓને કારણે શારદાબહેનને ભણતરનું મહત્વ સમજાયું. મોટી દીકરી પાંચમાં ધોરણમાં હતી ત્યારે તેઓએ પણ પાંચમાં ધોરણનો અભ્યાસ કરી પોતાની જાતને અપડેટ કરી!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

છ વાગે ઊઠે. નાહી-ધોઈને પૂજાપાઠ કરે. નારાયણ-કવચ, હનુમાન-ચાલીસા કરે. રસોઈમાં થોડી-ઘણી મદદ કરે. શાક સુધારે, સફાઈ કરે, દાડમ છોલે. કાચબાને-ગાયને- કૂતરાને ખાવાનું નાખે. જમીને છાપુ અને ભગવાનની ચોપડીઓ વાંચે. ટીવી જુએ. વેવાણ સાથે રહે છે, જે મિત્રની ગરજ સારે છે! બપોરે કોફી પી મોબાઈલ હાથમાં લે. સ્પીડ-ડાયલથી લગભગ 25-30 ફોન કરી કુટુંબીઓ-મિત્રો સાથે વાતો કરે! સાત વાગ્યે જમે. જમવામાં ખીચડી વધુ પસંદ છે. દીકરા-વહુ સાથે વાતો કરે, ટીવી જુએ અને સુઈ જાય. મહિને એકવાર બૃહદ્-પરિવારનાં સભ્યોએ સમૂહ-ભોજન માટે ભેગાં થવાનો વણ-લખ્યો નિયમ છે! યુવાનીમાં વિધવા-તકતા, વડીલોની સેવા કરી. કેટલીએ મહિલાઓની સુવાવડો કરાવી. રોજ ઘરનાં કરતાં મહેમાનો જમનારાં વધારે હોય!

શોખના વિષયો : 

ભજનો ગાવાનો બહુ શોખ. ફરવાનું ગમે. સગા-સંબંધી અને મિત્રોને મળવાનું ગમે. કોઈ માંદુ હોય તો ખબર કાઢવા જાય. જરૂર હોય ત્યાં ટિફિન કે ખાવાનું લઈને જાય. દિવાળીમાં પરિવારમાં બધાંને મીઠાઈનાં બોક્સ જાતે આપવા જાય.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સારી છે. પોતાનું કામ જાતે કરે છે. ઘરમાં હરતાં-ફરતાં છે. તેમના હૃદયના ધબકારા વર્ષોથી અનિયમિત છે તેથી ડોક્ટર દીકરો મહેશભાઈ નિયમિત દવા આપે, પણ સોશિયલ પ્રવૃત્તિઓમાં ઉત્સાહ એટલો બધો કે “શાંતિ રાખો” કહેવું પડે! જેટલા વધારે માણસો મળે તેટલો વધારે આનંદ થાય અને તબિયત પણ સારી રહે!

યાદગાર પ્રસંગ:  

આત્મારામભાઈ લુહાણા-છાત્રાલયમાં ગૃહપતિ. ગામડામાંથી રમેશને તેના પિતાએ છાત્રાલયમાં દાખલ કર્યો. વારંવાર દીકરાને મળવા આવે. આથી દીકરો છાત્રાલયમાં સેટ થાય નહીં. આત્મારામભાઈએ પિતાને વારંવાર આવવાની ના કહી. પિતાએ કહ્યું: “આ છોકરો તમને સોંપ્યો, હવે તમારે તેનું ધ્યાન રાખવાનું!” કુદરતનું કરવું તે થોડા વખતમાં રમેશના પિતાનું અવસાન થયું! આત્મારામભાઈ તથા શારદાબહેને રમેશને દત્તક-પુત્રની જેમ ઉછેર્યો, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવ્યો, તેના લગ્ન કરાવ્યા. હવે તેને ઘેર પણ એક બાળક છે! આત્મારામભાઈ ગાંધીવાદી. સાદગીમાં માને. લુહાણા-જ્ઞાતિમાં સમૂહ-લગ્ન કરાવે. તેમની મોટી-દીકરીના લગ્ન સમયે, કુટુંબ ખમતીધર હોવાથી, કુટુંબીઓએ દીકરીના લગ્ન સમૂહ-લગ્નમાં કરવાનો વિરોધ કર્યો. કુટુંબીઓના વિરોધ સામે તેમણે પોતાની મોટી બંને દીકરીઓનાં લગ્ન સમૂહ-લગ્નમાં કર્યાં.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

મોબાઈલનો ભરપૂર ઉપયોગ કરી પરિવારનાં  સભ્યો અને મિત્રો સાથે ટચમાં રહે છે. 70 વર્ષે લેન્ડમાર્ક-ફોરમનો કોર્સ કરી “મારી ખુશીનો આધાર હું જ છું” તેવું સાબિત કર્યું! આમૂલ પરિવર્તન આવ્યું અને ફરિયાદો બંધ થઈ ગઈ. દીકરો ડોક્ટર હોવા છતાં, મોતિયાનું ઓપરેશન કરાવવા બહેનને લઈ રિક્ષામાં જાતે હોસ્પિટલ પહોંચી ગયાં!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

ઘણો બદલાવ છે! જોકે તેઓ બધે એડજસ્ટ થઈ જાય! પહેલાં સવારે જમવામાં રોટલી-શાક હોય અને સાંજે ખીચડી-ભાખરી હોય. હવે રોજ જુદું-જુદું જમવા જોઈએ છે! કપડાં પહેરવામાં કેવા ફેરફાર થઈ ગયા છે! રહેવાનુંએ દેશ-પરદેશમાં દૂર-દૂર થઈ ગયું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

ઘરનાં યુવાનો/બાળકો સાથે ફાવે. કોઈ દેખાય નહીં તો તરત પૂછે. છોકરાઓ પણ એમને બહુ સાચવે. તેમની બોર્ડિંગમાં 100 છોકરાઓ હતા, એટલે યુવાનો અને બાળકો સાથે તરત ફાવી જાય!

સંદેશો :  

ખાસ બહેનો માટે : ભણતરનું મહત્વ સમજો. તમે ભણો, પોતાનાં બાળકોને ભણાવો, ગરીબોનાં બાળકોને ભણાવો. કામવાળાનાં બાળકોને પણ ભણાવો!

 


Viewing all articles
Browse latest Browse all 35442

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>